શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો પૂજા, પ્રસન્ન થશે શિવજી…

રાશિ મુજબ અભિષેક કે ભોગ ધરાવવામાં આવશે તો શિવજી જરૂર ખુશ થશે.

મેષ : આ રાશિના જાતકોએ જળમાં ગોળ મેળવીને શિવજીનો અભિષેક કરવો. ખાંડ અથવા ગોળની મીઠી રોટલી કે વેઢમી બનાવીને તેનો શિવજીને ભોગ ધરાવવો.લાલ ચંદન તથા કનેરનાં ફૂલ ચઢાવવાં. મંત્ર : ॐ પશુપતયે નમઃ

વૃષભ : આ જાતકોએ દહીંથી અને પછી જળથી શિવલિંગ પર અભિષેક કરવો. સફેદ ચંદન, સફેદ ફૂલ અને અક્ષત (ચોખા) ચઢાવવાં. આ સિવાય ભાતની મીઠી વાનગી એટલે કે ખીરનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ શર્વાય નમઃ ।

મિથુન : આ રાશિના લોકોએ શેરડીના રસથી શિવજીનો અભિષેક કરવો. દૂર્વા અને કુશ અર્પણ કરવાં તથા મગની વાનગીનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ વિરુપાક્ષાય નમઃ ।

કર્ક : આ જાતકોએ ઘીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે કાચું દૂધ, સફેદ આકડાનાં ફૂલ અને શંખપુષ્પી પણ ચઢાવો. શિવજીને વિવિધ ફળોનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ મહેશ્વરાય નમઃ ।

સિંહ : આ રાશિના લોકોએ ગોળના જળથી શિવલિંગ પર અભિષેક કરવો ત્યારબાદ ઘઉં અને મંદારનાં ફૂલ પણ ચઢાવવાં. ગોળ અને ચોખામાંથી બનેલી ખીરનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ અઘોરાય નમઃ।

કન્યા : આ જાતકોએ શેરડીના રસ તથા દૂધથી શિવલિંગ પર અભિષેક કરવો. શિવજીને ભાંગ, દૂર્વા અને બીલીપત્ર ચઢાવવાં. શિવજીને લાપસીનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ ત્ર્યંમ્બકાય નમઃ ।

તુલા : આ જાતકોએ અત્તર અથવા સુગંધિત તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. સફેદ ફૂલથી પૂજન કરવું. મંત્ર : ॐ ઇશાનાય નમઃ ।

વૃશ્ચિક : પંચામૃત દ્વારા શિવજીનો અભિષેક કરવો ત્યારબાદ જળ દ્વારા અભિષેક કરવો. શિવજીને પૂજનમાં લાલ ફૂલ અર્પણ કરવું. લાડુનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ વિશ્વરૂપિણે નમઃ ।

ધન : આ રાશિના જાતકોએ દૂધમાં દહીં મેળવીને શિવજીનો અભિષેક કરવો. પીળા અથવા ગલગોટાનાં ફૂલ ચઢાવવાં. ચણાના લોટ અને મિસરીમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ શૂલપાણયે નમઃ ।

મકર : નારિયેળના પાણીથી શિવજીનો અભિષેક કરવાથી વિશેષ ફળ મળશે. નીલા કમળનાં પુષ્પ શિવજીને અર્પણ કરવા સાથે અડદની દાળમાંથી બનાવેલ મિષ્ટાન્ન અર્પણ કરવાં. મંત્ર : ॐ ભૈરવાય નમઃ।

કુંભ : આ રાશિના જાતકોએ તલના તેલથી શિવજીનો અભિષેક કરવો. શમીનાં પુષ્પ પૂજન દરમિયાન અર્પણ કરવાં. આમ કરવાથી શનિની પીડા પણ ઓછી થશે. અડદમાંથી બનાવેલી મીઠાઈનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ કપર્દિને નમઃ ।

મીન : આ રાશિના લોકોએ દૂધમાં કેસર મેળવીને શિવલિંગ પર અભિષેક કરવો. પીળી સરસવ અને નાગકેસર શિવજીને ચઢાવવું. ભાત અને દહીંનો ભોગ ધરાવવો. મંત્ર : ॐ સદાશિવાય નમઃ ।

Back To Top